.

આવ્યો વિચાર એક આજ, કે લાવ ને બદલી જોઉં મારી જાત ને,

પણ થયો સવાલ પેહલો કે, હું રૂપ કયું લઉં?

.

થયું મને કે લાવ સુરજ બનું,

પણ એમાં તોહ ભાઈ અસહ્ય તાપ છે.

.

મન ને વાળ્યું કે ભલે બની જઈશું દરિયો,

પણ થયું ભાન કે એને પણ ક્યાં માપ છે.

.

થયું કે બનું વાદળ વરસાદી,

પરંતુ એ પણ તો વરસી ને સરી જશે.

.

થયું કે બની જાઉં આભ નો તારો,

અરે..રે! એ પણ તો એક દી ખરી જશે.

.

થયું કે લાવ બનું પેલી અફર ભીષ્મ પ્રતિજ્ઞા,

પણ ભવિષ્ય માં એ પણ નડી જવાનો ભય હતો.

.

બની જાત કદાચ હું પેલું છોડ મૃદુ,

પણ પવન ની થાપટો સામે એના અસ્તિત્વ ની વિષય હતો.

.

બની જાત કદાચ પ્રભુ રામ ની માતા,

પણ કૌશલ્યા ની મનોદશા યાદ આવી.

.

આવ્યું યાદ રુદન ૧૦૦ પુત્રો ના મૃત્યુ પછી નું,

ને એ ગાંધારી પણ નાં ફાવી.

.

થયું કે બની જાઉં ધૂળ ધરતી ની,

પણ નદીઓ ના પાણી હંફાવી ગયા.

.

થયું કે બનું ઇશુખ્રિસ્ત ભગવાન,

પણ એ શૂળ અને ખીલ્લા રોવડાવી ગયા.

.

થયું કે બની જાઉં પેલો ઐરાવત ગજ,

પણ દુર્વાશા ઋષિ નો શ્રાપ યાદ આવ્યો.

.

થઇ ઝંખના કે થાઉં મુસલમાન મિત્રો માં પૂજાતી હજ ની એ પવિત્ર સફર,

પણ નાપાક હોવાનો એ વસવસો યાદ આવ્યો.

.

થયું કે લાવ બની જાઉં યમરાજ ને સૌના પ્રાણ હરું,

પણ પ્રાણ હરી ને કરેલા પાપ નો હિસાબ ક્યાં ભરું?

.

થયું કે બની જાઉં ખુદ ભગવાન પરમાત્મા અને દુનિયા ચલાવું,

જોયું તો બધે જ ફરિયાદો અને નિસાસા દેખાયા , કેટલા ને અને કેવી રીતે સમજાવું.

.

અંતે થયું કે લાવ બની જાઉં માનવી, જોઉં એની પણ કેટલો ભાર છે,

ને સાદ આવ્યો આત્મા નો કે મિત્ર આ માણસ તરીકે જન્મેલા તારા મન નો જ વિચાર છે.

.

ને હસ્યા ભગવાન કે છોકરા આમ જોવે તો તુજ દુનિયા, તુજ ઈશ્વર,તું જ અત્ર-તત્ર-સર્વત્ર, બ્રહ્માંડ નો હર એક અણુ તું છે,

પણ આજ બસ એટલું કેહવું છે કે, મૌલિક- તું માનવી માનવ થાય તો ઘણું છે.

.

~મૌલિક ત્રિવેદી

Comments (0)