વહેતી જતી જીંદગી માં ઠહેરાવ યાચુ છું,
વર્તમાન નાં ખોળે બેઠો મારા ભૂતકાળ ને વાંચુ છું.
.
સુખ-દુ:ખ નો થાળ લઇ ચિત્રગુપ્ત ઉભો રહ્યો,
વિચારોનો દરિયો મારા માનસપટ પર વહેતો રહ્યો.
.
નસીબ ની ધીરજ ખૂટી પડી ને કાણું થાળ માં પડી ગયું,
રહ્યું-સહ્યું સુખ તે કાણાં થકી સરી ગયું.
.
સરતા સુખ ને રોકવાની એ પળ મારાથી ચુકાઈ ગઈ,
આ કરુણા જોઈ ને ઘડીભર પોક વિધાતાથી મુકાઇ ગઈ.
.
એ સરી ગયેલા સુખના સરવાળા બાદબાકી માં અટવાયો છું,
તૂટેલા સપનાઓના ટુકડાઓથી ખુદ જ ઘવાયો છું.
.
બનીને યાદોના આંસુ હું બેફામ વહેતો રહ્યો,
જીવન ની સંતાકુકડી માં વાસ્તવિકતાઓથી પળ પળ છુપાતો રહ્યો.
.
પતંગિયા ને મન આગ પ્રકાશ માત્ર છે દુનિયા,
લાગણીઓના મધદરિયે સરેઆમ તરસતો રહ્યો.
.
બની ને આંસુની મૌલિક ધાર સંતાપ વરસતો રહ્યો,
સુરજ ની કોખ માં બેઠો એ અંધકાર હસતો રહ્યો.
.
ફરી દિશા દેખાઈ જીવનને ત્યાં રસ્તો વળી ગયો,
પ્રતિબિંબ ની શોધમાં રઝળતા મારા પડછાયા ને ઉજાસ નડી ગયો.
.
એ રસ્તાને અટકાવતો ત્રીજો કિનારો યાચું છું,
વર્તમાન ના ખોળે બેઠો મારા ભૂતકાળને વાંચું છું.

Comments (0)